માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા રૈયાધાર સ્લમ વિસ્તારમાં માનવ અધિકાર અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા સમાજના વંચિત અને પછાત વર્ગોમાં માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિનો પ્રસાર-પ્રચાર કરવાના હેતુથી તા. ૧૬/૦૭/૨૦૨૫ના રોજ રૈયાધાર સ્લમ વિસ્તાર, રાજકોટ ખાતે શ્રી પીતાંબરભાઈ મકવાણાના નિવાસસ્થાને એલએલ.એમ.અભ્યાસક્રમના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રૈયાધાર વિસ્તારના નાગરિકોને "માનવ અધિકારો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ" વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં ભારતીય બંધારણ દ્વારા નાગરિકોને પ્રદાન કરવામાં આવેલા મૂળભૂત અધિકારો, માનવ ગૌરવનું સંરક્ષણ, સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અંગેની કાયદાકીય જાગૃતિ, કાનૂની સહાયની ઉપલબ્ધતા તેમજ માનવ અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં ઉપલબ્ધ કાયદાકીય ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, નાગરિકોને પોતાના અધિકારો અને ફરજો અંગે જાગૃત રહી કાયદાનું પાલન કરીને જવાબદાર સમાજના નિર્માણમાં સહભાગી બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા તથા વિભાગના અધ્યાપક ડૉ. સાગર અમીપરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને માનવ અધિકારોના સંરક્ષણ માટે કાયદાકીય જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમના આયોજન અને સફળ અમલીકરણમાં એલએલ.એમ.ના વિદ્યાર્થીઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સમાજના વંચિત વર્ગ સુધી કાયદાકીય જાગૃતિ પહોંચાડવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી, જે સામાજિક જવાબદારી અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા સમાજના વિવિધ વર્ગો સુધી માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિ પહોંચાડવાના હેતુથી નિયમિતપણે આવા વિસ્તરણલક્ષી અને સમુદાયલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં કાયદા પ્રત્યે જાગૃતિ, માનવ ગૌરવનું રક્ષણ અને બંધારણીય મૂલ્યોના પ્રસારને પ્રોત્સાહન મળે છે.